ફિક્સ પગારદારો મુદ્દે સુપ્રીમમાંથી કેસ પાછો ખેંચવા સરકાર તૈયાર, જાણો સરકારની શું છે યોજના

 ગુજરાતમાં 2017માં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે શિક્ષિત યુવા વર્ગને પોતાની સાથે જોડી રાખવા માટે ગુજરાતની ભાજપ સરકાર એક મહત્વનો નિર્ણય લે તેવી શક્યતા છે. આ નિર્ણય પ્રમાણે સરકાર રાજ્યના લાખો ફિક્સ પગારદારોને કાયમી કરશે અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલો કેસ પાછો ખેંચી લેશે.

ગુજરાત સરકાર ફીક્સ પગારદારોના મામલે હાઈકોર્ટમાં કેસ હારી ચુકી છે. ગુજરાત સરકારે હાઈકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો છે પણ સરકારનાં અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરીમાં સરકાર ફીક્સ પગારદાર અંગેની વર્તમાન નીતિને બદલીને સુપ્રીમમાં કેસ પાછો ખેંચે તેવી પ્રબળ સંભાવના છે.

સરકારના વિશ્વાસપાત્ર સૂત્રોનું કહેવું છે કે, ફીક્સ પગારદારોના મામલે સરકાર હકારાત્મક વિચાર કરી રહી છે અને જાન્યુઆરીમાં નીતિગત ફેરફાર કરે તેવી પ્રબળ સંભાવના છે. હાલમાં આ મામલો સબ જ્યૂડીશ છે તેથી તેમાંથી કેવી રીતે રસ્તો કાઢી શકાય તે અંગે વિચારણા ચાલી રહી છે.

સરકાર ફીક્સ પગારદારોની મોટા ભાગની માગણીઓ સંતોષી તેમને કાયમી કરી દેશે. ગુજરાત સરકારના વલણમાં આવેલા પરિવર્તન માટે 2017ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત સુપ્રીમ કોર્ટે કરેલી ટીકા પણ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણી વખતે ગુજરાત સરકારને આ મામલે ફોર્મ્યુલા રજૂ કરવા ફરમાન કર્યું હતું.

જો કે ફીક્સ પગારદારો તરફથી ગુજરાત હાઈકોર્ટમાં સરકાર વિરૂદ્ધ કેસ જીતી ચુકેલા વકીલ રાજેન્દ્ર શુક્લનું કહેવું છે કે, સરકાર ઈચ્છે તો સુપ્રીમ કોર્ટમાંથી કેસ પાછો ખેંચી શકે છે. સરકારને આ નિર્ણય લેવા આડે કોઈ અવરોધ નથી કેમ કે ફિક્સ પગારદારો હાઈકોર્ટમાં કેસ જીત્યા છે તેથી મામલો સબ-જ્યુડિશ ન ગણાય.
રાજ્યમાં હાલમાં વર્ગ 3 અને વર્ગ 4નાં 4 લાખ જેટલા ફીક્સ પગારદારો છે. 2011 પછી કાયમી થયેલા 2 લાખથી વધારે કર્મચારીઓ છે. આમ ફીક્સ પગારની નીતિથી પ્રભાવિત રાજ્યમાં ઓછામાં ઓછા 6 લાખ કર્મચારીઓ છે. રાજ્યના 15થી વધારે વિભાગોમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓ ફીક્સ પગારદાર તરીકે 2006થી કાર્યરત છે.

આ વિભાગોમાં, સચિવાલય કેડર, પોલીસ, મહેસુલ, પંચાયત, ફાઈનાન્સ વિભાગ, ફોરેસ્ટ, નર્મદા, શિક્ષણ, કૌશલ્ય તાલિમ, સ્વાસ્થ્ય, વિધાનસભા, જીપીએસસી હેઠળના ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત થતી ભરતીઓ, આરટીઓ, રોડ એન્ડ બીલ્ડીંગ, કાયદા વિભાગ, ઉદ્યોગ, ઉર્જા, શહેરી વિકાસ વિભાગનો સમાવેશ થાય છે.

ગુજરાત જન અધિકાર મંચ પણ ફીક્સ પગાર દારોના મામલે સુપ્રીમ કોર્ટમાં સરકાર વિરૂદ્ધ લડી રહ્યો છે. તેના પ્રમુખ પ્રવિણ રામે જણાવ્યું કે, ચીફ જસ્ટિસે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, જો આપની સરકાર નાણાં ચુકવી શકે તેમ ન હોય તો સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારને નાદાર જાહેર કરી દે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ